June 30, 2015

“વાંચવું” એ ખરેખર છે શું ??


આ- “વાંચવું” એ ખરેખર છે શું ??
કોઈ પણ કૌશલ્ય શીખવાના કેટલાક સ્ટેપ્સ હોય છે.
સાઈકલ આપણને સૌને યાદ છે – એક પગ વાંકો કરી ને ‘પગ પેન્ડલ’ પછી લાકડી પર’ અને ત્યારબાદ સીટ પરની સવારી ! વધુ મહાવરો થાય એટલે ડબલ સવારી ને કરતબ બતાવવા કેરિયર પર બેસી સાઇકલ સવારી !
વાંચનને કૌશલ્ય કહીએ છીએ !
એના માટે મૂળાક્ષરથી શરૂ કરવાથી માંડીને શબ્દ-પધ્ધતિ નો ઉપયોગ આપણે કરી ચુક્યા છીએ છતાં બધા બાળકો વાંચતા થઇ જ જાય એવી કોઈ ગેરંટી કોઈ શિક્ષક આપી શકતો નથી. અમે પણ નહિ – પીડા થઇ આવે જયારે બાળકો તેમની ઉમર મુજબનું વાંચન ના કરી શકે ત્યારે !
વાંચન ના આવડવાના કારણો વૈજ્ઞાનિક ઢબે શોધવા જોઈએ. કેટલાક કારણો –
૧. વાંચન એ કુદરતી ક્રિયા છે. તે બીજ-છોડ-વૃક્ષ એમ ફૂલેફાલે છે. અને આપણે તેને સ્ટ્રક્ચરમાં જોઈએ છીએ – એક એક ઈંટ મુકતા જઈએ અને વિચારીએ કે દીવાલ કેવડી થઇ. એવું બનતું નથી- કોણે ક્યા સમયે વાંચતા આવડી જાય ખબર પડતી નથી. જેમ છોડ ક્યારે મોટો થાય છે એ ચાલુ વર્તમાન કાળમાં – લાઈવ જોઈ શકાતો નથી. એ તો નિયમિત માપન અને તેની નોધથી ખબર પડે કે હા, આમાં તો ફેરફાર છે.

૨. વાંચન સામગ્રી શરૂઆતના તબક્કે બાળકે સાંભળેલી હોવી જોઈએ. જે બાળકોના વાતાવરણમાં એ શબ્દો ઓછા બોલાતા હોય તેવા શબ્દો એ વાંચી પણ શકતા નથી.

૩. જે બાળકો વસ્તુઓના ચિત્ર ઓળખી ભેદ પાડી શકતા નથી તેઓ વર્ણ ના ચિત્રો પણ ઓળખી ભેદ પારખી તે મુજબનો ઉચ્ચાર કરી શકતા નથી.

૪. કદાચ પહેલા કરતા આપણે શિક્ષક તરીકે વધુ અસહિષ્ણુ થઇ ગયા છીએ. કારણ જે પણ હોય તે આપણને તાત્કાલિક પરિણામ જોઈએ છે.

૫. થોડાક સમયમાં આપણે આપણી પધ્ધતિ બદલી નાખીએ છીએ. એકદમ નર્યું કંટાળાજનક વાંચવાનું આપીએ છીએ.

૬. વાંચન માટે બાળકોની વય ધ્યાનમાં રાખવાને બદલે તેની કઠીનતા ( આપણે નક્કી કરેલી) – એટલે કાના માત્ર વગરના શબ્દો જ પહેલા !! એવું ધ્યાનમાં રાખીએ છીએ.

૭. ના વાંચી શકનારા બાળકોને બીજી પ્રવૃતિઓમાં જોડાવાને બદલે આપણે તેમને માત્ર એ જ વાંચતા શીખ એવું કહી અલગ પાડીએ છીએ. જે તેને લઘુતાગ્રંથી તરફ દોરી જાય છે. બાકી જેને વાંચતા ના આવડે તેને ય કવિતા ગાતા તો આવડે જ પણ આપણે આગ્રહ રહીએ કે એને વાંચતા આવડે પછી જ ગાય.

૮. કેટલાક બાળકો ડીકસલેસીયા થી પીડાય છે. જે પ્રતિભાશાળી હોવા છતાં માત્ર વાંચન-લેખનમાં મુશ્કેલી અનુભવે છે. એમના કમનસીબે આપણી પાસે એમને સાચી રીતે ઓળખી કાઢવાના કોઈ હાથવગા ટૂલ્સ નથી.
આપ પણ આપના વિચારો જોડશો જ –

June 28, 2015

કેડી વિનાનું જંગલ !!


કેડી વિનાનું જંગલ !!
           
             બાળકની લર્નિંગ પ્રોસેસને ૧૦૦% કહી શકાય તેવી રીતે  હજુ સુધી શિક્ષણવિદો પણ નથી સમજી શક્યા. આ બાબતમાં સંપૂર્ણતા તો કદાચ વર્ષોના પ્રયત્નો પછી પણ મળવી મુશ્કેલ છે. પરંતુ  વર્ગખંડોમાં આપણે સૌ એક ચોકકસ પધ્ધત્તિઓનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. એનાથી આપણે બાળકને શીખવાની સુગમતા કરી આપતા હોઈએ છીએ. ક્યારેક તો અમારો અનુભવ રહ્યો છે કે જાણે શીખવાની દુનિયા એ દિશા નિર્દેશ વિનાનું કેડીઓ રહિત જંગલ છે. જ્યાં બાળક શિક્ષકરૂપી હોકાયંત્ર સાથે જંગલને જાણવા માણવા અને જીતવા નીકળી પડે છે. શિક્ષકશ્રી પણ બાળકોના શૈક્ષણિક ભોમિયા બની વર્ગખંડરૂપી વાહનમાં સવાર થઇ પાઠ્યપુસ્તક રૂપી નકશાઓ અને પદ્ધતિઓરૂપી માર્ગદર્શિકા સાથે બાળકોની યાત્રાને સફળ બનાવવાના પ્રયત્નોમાં લાગી જતાં જોવા મળે છે. આપણે અનુભવ્યું પણ છે કે શૈક્ષણિક જંગલની વાત કરીએ તો આ એક એવું જંગલ છે કે કદાચ ભૂલથી ફંટાઈ જવાશે અને ક્યાંક અથડાશો તો પણ નવુંનવું શીખીને જ આવશો !!! આવી વાતના પુરાવાઓ રૂપે ક્યારે ક્યારેક એવું પણ બને છે કે બાળકની કોઈ રમતિયાળ વર્તન એ આપણી કોઈ વિષય વસ્તુના મુદ્દાને સરળતાથી શીખવવાની પદ્ધત્તિ બની જાય છે. અને આવું જ બન્યું આ વિડીયોમાં જયારે મેં એક દીકરીને કહ્યું એ...એ...એ [AAAA] તો તેનો સામે જવાબ મળ્યો બી...ઈ ઈ  [BBB] અને પછી તો શરુ થઇ A...B...C..D... અને તેનું નામ પાડ્યું “લડાઈની A...B...C..D...”. આવું જ બન્યું   બાળકોને અંગ્રેજી અંકોની ઓળખ અને સમજ માટેના પ્રયત્નોમાં. બાળકોએ રંગપુરણી ધ્વારા  પોતે તૈયાર કરેલ ફ્લેશ કાર્ડ વડે રજૂઆત કરતાં ગયા અને બાળકો જાણતા ગયા અને વારાફરતી તેની રજૂઆતનો ભાગ બની માણતાં ગયા. આઉટ્પુટ એટલું પાવરફુલ હતું કે પ્રવૃત્તિ પછીની બે બાળકોની ચર્ચા એવી હતી કે “અલ્યા ! આપણે બંને ભેગા થયા ત્યારે કયો અંક બન્યો હતો ?  આવી જ એક પ્રવૃત્તિ બાળકોએ કરી ભોંય તળિયા પર A...B...C..D...નાં ફ્લેશ કાર્ડના બે સેટ ગોઠવીને !! જેમાં બે ટીમના એક – એક સભ્યો વારફરતી સ્પર્ધા કર્તા કે કોણ પહેલાં V શોધી લાવે ? જે જીતે તેને ૧૦ પોઈન્ટ. ત્યાર બાદ આગળ એ પણ ખરું કે કોણ પહેલાં પોતાનો સ્પેલ બનાવી શકે છે? વગેરે વગેરે...


June 21, 2015

વિશ્વ યોગ દિવસ !!


વિશ્વ યોગ દિવસ – સપરમું ટાણું
વિશ્વ યોગ દિવસ – સપરમું ટાણું
મોસાળમાં માં પીરસે !
વિશ્વના કેટલાય દેશો જયારે આ યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના યજ્ઞનો હિસ્સો બન્યા ત્યારે એક યજ્ઞ વેદી અમારી ય હતી.
       શાળામાં ત્રણ દિવસ અગાઉથી જ તે દિવસના જુદા જુદા યોગાસનોની પ્રેક્ટીસ કરાવી લીધી હતી. એટલે બધા સામુહિક રીતે એક સરખી સુચનાથી યોગ નિદર્શન કરી શકે. શાળાના વિદ્યાર્થીઓ તો આનાથી સુપેરે પરિચિત જ હતા. એટલે તેમને માટે તો આ જાણે કોઈ તહેવાર હોય ! યોગદિવસ ઉજવ્યો એમ કહેવા કરતા અમે સૌ મળી યોગમાં સમૂહ ઉમેર્યો એમ કહેવાનું વધુ યોગ્ય લાગે છે.
શાળા પ્રાગણમાં જ થયેલા આ પ્રયત્નની કેમેરા ક્લિક્સ 











ચાલો, નીચેની લીંક પર ક્લિક કરીને માણીએ અમારી શાળામાં નિયમિતપણે પ્રાર્થનાસભા દરમ્યાન થતા યોગને – 
 યોગ અને અમારી શાળા 

June 13, 2015

પ્રવેશનો ઉત્સવ !!!


પ્રવેશનો ઉત્સવ !!!

                     શૈક્ષણિક દિવાળી એટલે જ શાળા પ્રવેશોત્સવ.  આમ તો ખરેખર તે દિવસે ગ્રામજનો આપણને તેમની અણમોલ મૂડીરૂપ બાળકો આપણને સોંપી જાય છે અને આપણે પણ શાળાના ચોપડે તેને જમા બાજુ ઉધારીએ છીએ એટલે તેને ધનતેરશના તહેવાર સાથે સરખાવીએ તો પણ ખોટું નથી. શાળામાં બાળકોને પ્રવેશોત્સવ ધ્વારા જયારે આપણે પ્રવેશ આપતાં હોઈએ છીએ ત્યારે સમાજ પણ પોતાની સાક્ષી દર્શાવતો હાજર હોય છે. એ દિવસો પણ દૂર નથી કે જ્યારે કોઈ વાલી એવી પણ આમંત્રણ પત્રિકાઓ તેના સગાવહાલાને આપશે કે......
“મારા બાળકને શાળામાં પ્રવેશ આપવાનો હોઈ “સદર પવિત્ર કાર્યમાં હાજર રહી મારા બાળકને પ્રગતિના આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશો” કારણ કે સમાજ હવે શિક્ષણ પ્રત્યે વધુને વધુ જાગૃત થતો ગયો છે. અને શાળાઓએ આ જ જાગૃતિનો લાભ લઇ વાલીમિત્રો સાથે ચર્ચા યોજી બાળકના વર્ગખંડના કાર્યના અનુસંધાનમાં ઘરે બાળકોનું કેવું અને કેટલું ધ્યાન રાખવું તેનું સુચારુ આયોજન તૈયાર કરવું જોઈએ. 
કારણ કે બાળકને પ્રવેશ આપવો એ તો શૈક્ષણિક ટ્રેઈલર કહી શકાય. અને સફળ ફિલ્મ માટે તો ???  સ્ક્રિપ્ટીંગ... એડીટીંગ... શુટિંગ...  કેટકેટલી તૈયારીઓ... તમે તો જાણો જ છોને !! અને જયારે જયારે બાળકના શૈક્ષણિક ફિલ્મના નિર્માણના ઘડવૈયા તરીકે તમને નિર્માતા તરીકેની સરકારશ્રીએ એપોઇમેન્ટ આપી છે ત્યારે સુચારુ આયોજન અને સખત પરિશ્રમ માટે આપણે તૈયાર રહેવું જ રહ્યું. આવા પ્રયત્નો વડે જ આપણે આપણી ગુણોત્સવરૂપી પરીક્ષામાં A+ ગ્રેડ વાળા નિર્માતા સાબિત થઈશું.. ચાલો ગહન મનોમંથન, સુચારુ આયોજન અને સખત પરિશ્રમ માટે લાગી પડીએ.... 
ચાલો જાણીએ કેવીરીતે શાળાએ ઉજવ્યો પ્રવેશનો ઉત્સવ .....
શાળા પરિવારમાં સામેલ થનાર નવા સભ્યો ...





પાણી બચાવશું , કેવીરીતે ?- જયરાજ 
  
દેશભક્તિ ગીતની રજુઆતના કેટલાંક દ્રશ્યો...  

  
મહેમાનોનું પ્રેરક સંબોધન........

પોતાની પેઢીને શિક્ષણની કેડી પરના  પ્રવેશની સાક્ષી બનવાની આંખોમાં તાલાવેલી સાથેના ગ્રામજનો... 

કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરનાર સૌનો ખૂબ આભાર ...

નવી ટીમ તેમના કેપ્ટન સાથે...
ચાલો, કેમેરાની ક્લીકીંગમાં રહી ગયેલી પળોને વિડીયો ધ્વારા માણીએ...

June 01, 2015

ધોરણ પહેલાનાં ‘બાળકો’ અને ધોરણ પહેલાનાં ‘વર્ગશિક્ષક’ !!!


ધોરણ પહેલાનાં ‘બાળકો’ અને ધોરણ પહેલાનાં ‘વર્ગશિક્ષક’

                           મિત્રો, વેકેશન પૂર્ણતાને આરે છે, શાળાના નવીન સત્રની શરૂઆત શૈક્ષણિક જગતની દિવાળી જેવા મોટા તહેવાર “પ્રવેશોત્સવ” થી થાય છે ત્યારે આપણા કરતાંય વધુ રોમાંચ એ કુટુંબોમાં હશે જેની નવીન પેઢી  શાળામાં પ્રવેશ મેળવી રહી છે. મનમાંની અઘોષિત કેટલીય અપેક્ષાઓ અને  આંખોમાં છુપાવેલી કેટલીય આશાઓથી પ્રચુર આ કુટુંબો કાગડોળે આ શૈક્ષણિક મહોત્સવની રાહ જોતાં હશે. ત્યારે આપણા શાળાકીય પરિવારમાં આ નવીન સભ્યોની પધરામણી થવા જઈ રહી છે તેની ઉત્સુકતા એક શિક્ષક તરીકે થવી તે તો પ્રાચીન સમયના “ગુરુ”ની વ્યાખ્યાની સ્વાભાવિકતા જ કહી શકાય . સાથે સાથે આપણે એમના માટે પણ સુસજ્જ થવાનો આ સમય છે- જેઓ આપણને પોતાની પેઢી રૂપી આ ઝાડને સુશોભિત રાચરચીલાનો ઘાટ ઘડાવવા માટે આપણા ભરોસે છોડી જવાના છે. આ કાર્યના બદલામાં મળતી મહેનતાણાની રકમનો જથ્થો જ આપણને સમજાવી દે છે કે આપણને સોપાયેલું આ કામ સમાજ માટે કેટલું મહત્વનું છે. નવીન બાળકો જયારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી પહેલીવાર જયારે શાળામાં પ્રવેશ કરી તેના શિક્ષકને મળે છે ત્યારે તો શાળા પરિવારમાંના પહેલા ધોરણના વર્ગશિક્ષકની જવાબદારી અનેકો ઘણી વધી જાય છે. પહેલું કારણ તો The First Impression is The last impression”. બીજું કારણ જ્ઞાન અને વિજ્ઞાનનો એ નિયમ કે કોઇપણ કાર્યની શરૂઆતમાં  જ વધારે ઉર્જાની જરૂર પડે છે. ત્રીજું કારણ.  માન્યતા છે કે  જેની શરૂઆત સારી તો અંત પણ સારો. કામની સફળતાનો આધાર તેની શરૂઆત કેવી રીતે થાય છે તેના પર છે...ચોથું... પાંચમું છઠ્ઠું.... જો શોધવા બેસીએ તો ઘણા કારણો આપી શકાય..  જેમ કે જો આપ કોઈ વાહન ચલાવવાનું જાણતા હશો તો તમને ખબર હશે કે સૌથી મહત્વનો અને સૌથી વધારે ધ્યાન પૂર્વક પાડવાનો થતો કોઈ ગિયર હોય તો તે પહેલો ગિયર હોય છે. પહેલા ગિયરમાં જ વધારે બાબતોની સંભાળ રાખવી પડતી હોય છે. તે પછી ક્લચ છોડવાની વાત હોય કે એક્સીલેટર વધારવાની,  બેલેન્સ સાચવાની વાત હોય કે યોગ્ય ગતિ માટે ધીરજ ધરવાની - પહેલા જ ગિયરમાં જો આપણે વધુ ગતિની અપેક્ષાથી આપણું એક્સીલેટર વધારી દઈશું તો એન્જીનમાંથી જે બુમબરાડા વાળો અવાજ સંભળાશે તેમાં એન્જીનની ભૂલ નહિ પરંતુ વ્હીકલ વિશે આપણી ડ્રાઈવીંગની નાસમજ જ જવાબદાર સાબિત થશે. પહેલાં ધોરણના બાળકો માટે પણ તેના વર્ગખંડમાંના શિક્ષક પાસેથી વધારાની આવી અપેક્ષાઓ હોય છે કે...
ü  જેનામાં બાળકના ઘરના પર્યાવરણ રૂપી ક્લચને ધીરે-ધીરે છોડાવવા અને શાળાકીય પર્યાવરણમાં ભેળવવા -માટેની કાર્યશૈલી હોય
ü  પહેલા ધોરણમાંના બાળકની શીખવાની ગતિ માટેનું ધીરે-ધીરે વધારવા માટેનું ધૈર્ય હોય
ü  પહેલા ગિયરમાં વ્હીકલ જાય છે એટલે ઇંધણની ખપત તો વધારે થશે જ તેમ પહેલાં ધોરણમાંના બાળક માટે વધારે પ્રયત્નોની ખપત થશે તે માટે કોઇપણ જાતના અણગમા વિનાની તૈયારી હોય
ü  બાળકના ઘર અને શાળાના નવીન પર્યાવરણ વચ્ચેનું બેલેન્સ કરવા માટેની આવડત હોય..
    બાકી તો પછી જેમ ડ્રાઈવીંગની નાસમજને કારણે એન્જીનમાંથી ધણધણવાનો અવાજ આવે છે તેમ પહેલાં ધોરણના વર્ગશિક્ષક તરીકેની જો અણઆવડત હશે તો વર્ગખંડમાંથી બાળકોના રડવાનો આવાજ આવ્યા જ કરે તો નવાઈ નહિ !!!  
જુઓ અમારા અત્યાર સુધીના શાળા પ્રવેશોત્સવને >> Welcome To School