November 01, 2016

Re-Installation – No & Never !!!!!


Re-Installation – No & Never !!!!!
     કમ્પ્યુટરમાં વિન્ડો કે મોબાઈલમાં એપ્લીકેશન Install કરતી વખતે માંગવામાં આવતાં Options આપણે કેટલાં ધ્યાન પૂર્વક વાંચી અને પછી ક્લિક કરીએ છીએ કારણ કે કોઇપણ એક Option એવો ક્લિક થઇ જાય કે જે આપણી જરૂરિયાત મુજબનો ન હોય તો પરિણામ એ આવે કે આપણી અનુકુળતા મુજબની અથવા તો આગળના સમયમાં આપણે જે-તે કાર્યની જરૂરિયાત મુજબ વિન્ડોઝ કે એપ્લીકેશન કામ નહિ આપી શકે અથવા તો કોઈ એવું setting  છુટી જશે તો આગળ અવ નવી Errors ઉભી થશે !  આમ, વિન્ડોઝ કે એપ્લીકેશનની સફળતા તેના સુચારુરૂપે થયેલ Installation પર આધારિત છે. તમે બે અલગ અલગ વ્યક્તિઓને એક જ વિન્ડો અથવા તો એક જ એપ્લીકેશન પર અલગ અલગ મંતવ્યો આપતાં સાંભળ્યા હશે. કેટલીકવાર તો એવું પણ કહેતાં સાંભળ્યું હશે કે “એક કામ કર, પહેલાં આખી એપ્લીકેશન Uninstall કરી ફરીથી નાખ ! – પરિણામ મળે પણ છે કે Re-Installation બાદ એપ્લીકેશન સરસ કામ કરતી થઇ જાય છે. – પણ બાળકના શૈક્ષણિક જીવનમાં આવું Re-Installation શક્ય નથી. બાળકના જીવનમાં પ્રાથમિક શિક્ષણ માટેનો સમયગાળો એ તેનો સુવર્ણકાળ તરીકે માનીએ છીએ. ફક્ત વાંચન લેખન અને ગણન અને માહિતીઓથી તેને ભરી દેવો એટલો જ ઉદેશ્ય એ સુવર્ણકાળને ન્યાય ન હોઈ શકે ! બાળકને પ્રાથમિક શિક્ષણ તેના અગામી આજીવનકાળના શૈક્ષણિક પ્રક્રિયાઓ માટેની એપ્લીકેશનની Installation પ્રક્રિયા છે. તે દરમ્યાન તેને માહિતીઓથી ભરવા કરતાં માહિતીઓ શોધવા મથતો કરવાનાં settings વધારે જરૂરી હોય છે ! બાળકોમાં આ માટેનાં settings ઉદીપક તરીકે મળે તે જ તેના પ્રાથમિક શિક્ષણનો સુવર્ણ પ્રયત્ન કહી શકાય. બની શકે છે કે આગામી શિક્ષણ વ્યવસ્થાપકો તેનાં અભ્યાસક્રમને પુરાંતવાળું લર્નિંગ મટીરીયલ પૂરું ન પાડી શકે ત્યારે તેને ક્યાંથી શોધવું અથવા તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેવી લર્નિંગ પ્રોસેસ બાળકના જીવનમાં Install કરવાનો સુવર્ણકાળ એટલે પ્રાથમિક શાળાનું જીવન ! અને માટે જ અમે ફરીથી કહીએ છીએ  કે પ્રાથમિકકક્ષા બાદ બાળકના શૈક્ષણિક જીવનમાં આવું Re-Installation શક્ય નથી.
ચાલો, નવા સત્રથી – “ જાગી જઈએ અને લાગી જઈએ” !!!

October 30, 2016

सबके कदम स्वच्छता की ओर !


सबके कदम स्वच्छता की ओर !
કેટલાક માણસો પૃથ્વી પર જન્મે છે, અને ચિરકાળ એક વિચાર બનીને જીવતા જ રહે છે ! મો..ગાંધી એવું જ એક નામ છે.
           બીજી ઓક્ટોબરે ઉજવણી માટે હાથ ધોવા અને ગામમાં સ્વચ્છતા માટેની જાગૃતિ થાય તેવા બે પ્રયત્નો નક્કી કર્યા. હાથ ધોવા શા માટે ધોવા કેવી રીતે વગેરે માટે તોઝાઈલમ ટીમ વડે આપાયેલી કીટ અને રમતોથી સમજાવવાનું હતું. પણ ગામ ? રેલી તો કાઢીએ, સુત્રો બોલાવીએ ? બીજું તો શું કરીએ ? લોકો એવા છે ! શાળામાંથી નીકળતા નીકળતા કોઈકે બુમ પાડી, આપણી બધી કચરાપેટીઓ લઇ જઈએ ? ઘર સામે પડેલો કચરો આપણે ઉપાડીએ તો ?
      અને ગામમાં નીકળ્યા - મોટાભાગે પ્લાસ્ટિક બેગ્ઝ મળી આવી. ગામની નાની નાની દુકાનોની આગળ તૈયાર પડીકા ખવાતા જાય અને તે જ્યાં ત્યાં ફેંકાતા જાય. એમના જોતા થોડાક કચરાપેટીમાં ભર્યા, કોઈકે ના પાડી કે રહેવા દો અમે ભરી લઈએ છીએ, કોઈકે સાંજે ભરી લઈએ છીએ એવો તર્ક આપ્યો, કોઈકે વળી હવે પછી ભરી લઈશું એવો ભરોષો ! અમે હવે બેધડક એમને ફરક પડે કે ના પડેતમારી દુકાન આગળ તેલના ખાલી ડબ્બાની એક કચરાપેટી બનાવી મુકજો !” એવી વિનંતી કરવા માંડી.
નાના નાના ગલ્લાવાળાઓ એવા ખાલી ડબ્બાના પૈસા ઉભા કરે પણ અમારા પ્રયત્નને એમની હરકતનો લુણો ના લાગે અમારે જોવાનું હતું. જે પેઢી હવે શાળામાંથી બહાર છે, એના વર્તન માટે વિચારવા કરતા અમારા પગલાથી હવે જે સમાજ શાળામાં ઘડાઈ રહ્યો છે તેની પર થતી અસર મહત્વની હતી.
અને જયારે આજે દિવાળીના દિવસે થયું કે કોઈ ગલ્લે બાળકોએ સુચવેલી એવી કચરાપેટી મુકાઈ છે કે કેમ ? એસ.એમ.સી.ના અધ્યક્ષને ફોન કર્યો અને ધોરણ આઠનો અમારો ફોટોગ્રાફર ફૈઝાન બે ગલ્લા આગળ પડેલી કચરાપેટીની ક્લિક કરી લાવ્યો ! ગામના વોટ્સએપ ગ્રુપમાં બે તસવીરોનું શેરીંગ જોઈ સાબિત થઇ ગયું કેગાંધી સદા જીવશે સદ્ કરવાની આપણી વૃતિમાં વિચારમાં !

October 01, 2016

ટીમ વર્ક – કેવી રીતે કામ કરે છે ?


ટીમ વર્ક કેવી રીતે કામ કરે છે ?

               મિત્રો, રમતોમાં  ક્રિકેટ હોય કે કબડ્ડી, અથવા સંસ્થાઓમાં શાળા હોય કે સરકાર, કોઇપણના સુ-સંચાલન માટે ટીમ વર્ક એક મહત્વનું પાસું છે. જેની ટીમ મજબુત તેની જીત નિશ્ચિત ! તો ટીમની મજબુતી માટે શું?  જેની લીડરશીપ મજબુત તે ટીમ પણ મજબુત !
            મિત્રો, અન્ય સંસ્થાઓના અનુભવો તો અમે નથી જાણતાં પણ વિવિધ શાળાઓના આપણા શિક્ષક મિત્રો અમને તેમનાં વિચારો જયારે શેર કરે છે ત્યારે એક ડાયલોગ અવશ્ય કોમન હોય છે કે “શાળાને બાળકોનું સ્વર્ગ બનાવવાની તો મારી પણ ઈચ્છા છે પણ આ બધું ટીમવર્ક વિના શક્ય નથી” – વાત ખોટી પણ નથી. પરંતુ નવાઈ ત્યારે લાગે છે કે જયારે આ  ડાયલોગ એક જ શાળાના તમામ શિક્ષકો પાસેથી વારાફરતી સાંભળીએ છીએ. ત્યારે વિચાર આવે છે કે તો પછી અટકે છે ક્યાં ? ટીમવર્કનું પહેલાનું પગથિયું છે  ટીમનું બનવું ! ટીમ બન્યા વિના ટીમવર્ક અસંભવ !  મિત્રો, દુનિયાનો કોઈ શિક્ષક એવો નથી કે જેની ઈચ્છા ન હોય કે મારી શાળા અને મારા વર્ગખંડો એવા બને કે ત્યાં બાળકોને આવવું, રોકાવું અને શીખવું ગમે ! પણ આપણી જ આ  ઈચ્છાના અમલ માટે આપણા જ સહકર્મીનું તે વિશેનું નાનું સુચન આપણને આદેશનો અહેસાસ કરાવી આપણા અહમને ઠેસ પહોચાડતું ભાસે છે, અને ટીમ બનવાની પ્રથમ શ્રુંખલા જ અસ્તિત્વમાં નથી આવતી. પરિણામે વર્ષો સુધી સાથે કામ કર્યા છતાં તમે એકબીજાને સમજી શકતાં નથી. - માટે સંવાદ ટીમ બનવા માટેનું મહત્વનું પરિબળ છે.
               ઘડિયાળની યાંત્રિક રચના જોઈશું તો ખ્યાલ આવશે કે ટીમ કેવી રીતે કામ કરે છે? એક સાથે તાલ મેળવી કામ કરતાં કેટલાય ચક્રોમાં ધારી ધારી ને જોશો તો એક ચક્ર એવું હશે કે જે પહેલાં એક્ટીવ થતું હશે અને તેનાં આધારિત બીજું - ત્રીજું એમ ચક્રો ગતિમાન બનતાં હોય છે. શાળામાં ટીમ ન બનવાનાં અથવા તો ટીમ વિખેરાવાના કારણો અઢળક હશે પરંતુ શું આપણે જ આપણી શાળાનું એ પ્રથમ ચક્ર ન બની શકીએ કે આપણા થી જ આપણી શાળાની ટીમ બને ? આપણું એવું કાર્ય કે જેમાં આપણાથી પ્રભાવિત બની અન્ય ચક્રો આપણા સાથે જોડાતાં જાય. મિત્રો, બની શકે છે કે તમારો સ્ટાફ ટીમ બનવા તૈયાર હોય અને કેપ્ટનની રાહ જોઈ રહ્યો હોય?  કદાચ આપ આપની સંસ્થામાં હોદ્દાની રુએ કેપ્ટન તરીકે ન પણ હોવ, પરંતુ આપણે – “મારી શાળા અને મારા વર્ગના બાળકોના સુચારુ ભવિષ્ય”ના  ધ્યેય સાથે ટીમના નિર્માણનું કામ કેમ ન ઉપાડી લઇ ? - ચાલો સહીને, નમીને તું નહિ તો હું – બે કદમ આગળ વધીએ !
      અમારો અનુભવ રહ્યો છે કે ટીમવર્કથી જવાબદારીઓનો ભાર ઓછો અનુભવાય છે [જવાબદારીઓ ઘટે છે તેવું નથી ] અને પરિણામની અસરકારકતા વધે છે ! 
માટે ,ચાલો થોડું વર્ક કરીએ ટીમવર્ક માટે !!!