December 28, 2014

પ્રકૃતિ-સંસ્કૃતિ-પ્રવાસ


પ્રકૃતિ અને સંસ્કૃતિ ઓળખની પ્રવૃત્તિ – પ્રવાસ
 શૈક્ષણિક પ્રવાસ એ પ્રકૃતિ અને સંસ્કૃતિની ઓળખ કરાવતી પ્રવૃત્તિ છે !
                      આ વર્ષે પ્રવાસ ક્યાં જઈશું ? ના સવાલ સામે ઘણા વિકલ્પો બાળકોએ આપ્યા એમાં – કરમસદ, આણંદ અમુલ ડેરી, અમદાવાદ અને ગાંધીનગર તથા વડોદરા – પાવાગઢ મુખ્ય હતા. શિક્ષકે બધાના મંતવ્યો લીધા અને પાવાગઢ-વડોદરાનું સ્થળ નક્કી કર્યું. પ્રવાસ સમિતિને તે માટેની તૈયારી કરવાનું સૂચવ્યું..અને એક વહેલી સવારે અમે ઉપડ્યા અમારા એ નાનકડા વર્ગખંડને છોડી-એક મોટા વર્ગખંડમાં !
          પહેલો પડાવ- પાવાગઢ પાસેનું “વિરાસત વન” અવનવી વનસ્પતિઓ,તેના ઉપયોગોની મહિત દર્શાવતા બોર્ડ અને સુંદર બગીચો. વન મધ્યે આવેલી સીમેંટમાંથી બનેલી પણ લાકડાની જ જણાતી છત્રી બધાના આકર્ષણનું કેન્દ્ર બની. ત્યાં જ પાવાગઢમાં જોવાલાયક સ્થળોની માહિતી આપેલ હતી એટલે બાળકોએ એ પાવાગઢમાં પગ મુકતા પહેલા પાવાગઢને જાણ્યું- ત્યાંની પ્રખ્યાત ઈમારતો, તેનો વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ, તળાવો વિગેરેની વિગતો ત્યારથી જ નોધપોથીનો હિસ્સો થવા લાગી. બધાને યાદગાર રહ્યું ત્યાં થતું પ્રી- વેડિંગનું વિડીયો શુટિંગ !
“હે સાહેબ ! પેલા પિચ્ચર ઉતારે છે ?” > “ખબર નહિ ! પૂછી આવો !” અને તેઓ પૂછી આવ્યા પણ આ પ્રી- વેડિંગમાં એમને કઈ ખબર ના પડી તો ત્યાંથી પાવાગઢ સુધી લગ્ન-પહેલાના એ વિડીયો શુટિંગની ચર્ચા ચાલી.
                                  પાવાગઢમાં અમારું પહેલું સ્થળ હતું – જામી મસ્જીદ; ગણ્યા ગણાય નહિ એટલા સ્તંભ, અદભુત કોતરણી, કેટલાકે તો હાથ ફેરવી ખાતરી કરી કે પથ્થરમાંથી જ કોતર્યું છે ? “સાહેબ આટલું બધું શાનાથી કોતરતા હશે ? કોણ કોતરતું હશે ? ના જવાબમાં આઈ.કે.વીજળીવાળાનો શિલ્પી વાળો પ્રસંગ યાદ કરાવ્યો. ઘુમ્મટ જોઇને તો બધાને પહેલી નવી એ કે “આ આવડા મોટા પથરા શાનાથી ઉચક્યા હશે ? જુના પાવાગઢ વચ્ચેથી પગપાળા પ્રવાસ કર્યો – તેનો કિલ્લો જોતા જોતા! અત્યાર સુધી તેમના માટે કિલ્લો એ શાળાના કોટ જેવો ભાસ્યો હતો ! હવે તેમને સમજાયું કે કિલ્લા પર ઘોડા કેવી રીતે દોડતા હશે ! આંખો પછી પેટનો વારો હતો – વડોદરા નજીક આવેલ નિજાનંદ આશ્રમે ખરેખર આનંદ આવે તેવું ભોજન કરાવ્યું- વળતી કોઈ અપેક્ષા રાખ્યા વગર ! જમ્યા પછી ત્યાંના ભીંત સુત્રો પર કેટલાકની પેન ચાલી તો સોનલ જેવી ચિબાવલી છોકરીઓએ ત્યાં આશ્રમમાં રહેતી છોકરીઓ સાથે દોસ્તી કરી વાતોના વડા કર્યા.પેટપૂજા પછી વડોદરાના કમાટીબાગમાં પક્ષીઓ જોતા જોતા બાળકોના ઉદગારો સાંભળીને થયું કે કુદરતથી સૌ કોઈ અભિભૂત થઇ જ જાય ! અવનવા રંગોથી રંગાયેલા અને વિવિધ અવાજોથી ગુંજતા એ પાંજરાઓને પસાર કરી – જંગલમાં રાજા થઇ ઘૂમતા અહી પાંજરામાં આકળ વિકળ થઇ આંટા મારતો વનરાજ અને હવે બહાર નહિ જ નીકળાય એ સમજી ગયેલો વાઘ - તો કદાવર રીંછ જોયા ! પ્રાણીઓની એ દુનિયામાં બે બિલાડી ને વાંદરાની વાર્તાની મૂર્તિ મળી તો નાના ટાબરિયાઓને તો ત્યાં વધુ મજા પડી. પ્રાણીઓની દુનિયામાંથી અમારો પ્રવેશ થયો ઇતિહાસમાં – એ મ્યુઝીયમમાં મુકેલી મોટી બંદુકો,તલવારો, બખ્તર, ઢાલ (અલ્યા આ તો સાચુકલી છે !) સાથે બીજા કેટલાક શસ્ત્રો અને ગાયકવાડ રાજ્ય સમયના સિક્કા, પોષાક પણ જોયા. ચીન, જાપાન અને ઈજીપ્તની સંસ્કૃતિની ઓળખ કરાવતી ચીજ વસ્તુઓ – 
...અને ઈજીપ્તના પીરામીડનું એક મમી પણ ખરું ! ૧૮૯૪ ની સાલમાં શિકાર થયેલો વાઘનું શરીર હજુ એવું જ સચવાયું છે – તે બતાવ્યા પછી હજુય કેટલાકને તે પુતળું હોવાનો વહેમ છે ! ત્યાંજ કેટલાય ખનીજો, પુરાતનકાળના મળી આવેલા પદાર્થો જોઈ તેની ચર્ચાને અલ્પવિરામ મુક્યું છે – ખબર છે હવે જેટલી વાર ઈતિહાસ ખુલશે તેટલીવાર એ વાતો આવવાની જ ! ૭૧ ફૂટ લાંબા વ્હેલના હાડપિંજરને જોઈએ ને બધાની આંખો પહોળી થઇ ગઈ ! વ્હેલ વિશેની વાતોનું વાવાઝોડું માંડ શમ્યું છે – ક્યાંકથી એના વિશેની ચોપડી લાવવી પડશે ! અમારો છેલ્લો પડાવ હતો ઈ.એમ.ઈ. ટેમ્પલ, વડોદરા – એનો સમગ્ર વહીવટ ઇન્ડિયન આર્મી કરે છે ! બાળકોનું પહેલું થ્રીલીંગ તો સાચુકલા સૈનિકો જોવાનું – અને બીજું જુદા જુદા વિસ્તારોમાંથી લવાયેલી છેક ૭ મી સદી થી ૧૦ મી સદી સુધીની મૂર્તિઓ ! કોઈ તેની વિગતો વાંચીને તો કોઈ તેને પગે લાગી લાગી આગળ ચાલ્યું ! ચક્રનો છેલો આંટો ફરી પાવાગઢમાં “હોટલમાં’ રાત્રી ભોજન લઇ વહેલું આવજે નવાનદીસર ! (બાળકોને મન તો એ પણ મોટો વૈભવ હતો – “અમે તો હોટલમાં જમ્યા’તા !) મધરાતે ગામ કલબલતું કરી અમે સૌ છુટા પડ્યા બીજે દિવસે પેન-પેપર લઇ મંડી પડવા !પ્રવાસ પછી શું એની વિગતે વાત જયારે આખું ડોક્યુમેન્ટ બની જશે પછી કરીશું – અત્યારે તો આ ફોટોગ્રાફ્સ જુઓ અને મારી આવો એક ચક્કર અમે જ્યાં જ્યાં ફર્યા હતા એ સ્થળોનું ! 


   

     


December 01, 2014

“Activity Base Learning” એટલે...

U Activity Base Learningએટલે...
                                   મિત્રો, એક્ટીવીટી બેઝ લર્નિંગ એટલે શું ? તે તો આપણે સૌ જાણીએ છીએ. પ્રવૃત્તિ ધ્વારા શિક્ષણ એટલે કે બાળકોમાં કોઈ સંકલ્પના સ્પષ્ટ કરાવવા માટે જો કોઈ પ્રવૃત્તિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ABL  ઉપયોગ કર્યો તેવું કહેવાય. બાળકોને પ્રવૃત્તિમય રહેવું જ હોય છે, બાળકોને સળંગ બે કલાક પ્રવૃતિમય રાખવાં એ ખુબજ સહેલું છે, પરંતુ બાળકોને ચુપચાપ બે મિનીટ માટે પણ વર્ગમાં પ્રવૃત્તિહીન બેસાડવાં એટલે ખુબ જ અઘરું नामुमकिन! એટલાં જ માટે તો પ્રાથમિક કક્ષાએ અને તે પણ શરૂઆતના વર્ષોમાં સમાજ અને સીસ્ટમ બાળ-શૈક્ષણિક પ્રવૃત્તિઓથી સભર વર્ગશિક્ષકની અપેક્ષાઓ સેવે છે. મિત્રો આનો સીધો જ અર્થ એ જ થયો છે કે “આવાં વર્ગખંડોમાંથી બાળકો માટે શિસ્ત અને શાંતિ જાળવવાની શિક્ષકની સુચનાયુક્ત બૂમો જેટલી જોરથી અને વધુ પ્રમાણમાં બહાર સંભળાય તેટલો તે શૈક્ષણિક પ્રવૃત્તિઓથી ઓછો સુસજ્જ છે - તેવું માની શકાય. અને આવા સ્વકર્મ આધારિત કારણોને કારણે જ કેટલીકવાર પહેલાં-બીજા ધોરણના વર્ગખંડમાંથી પાંચ વાગે બહાર નીકળતાં જ શિક્ષક “આજે તો બૂમો પાડી-પાડી માથું દુખ્યું” ની ફરિયાદો કરતો જોવા મળે છે. પરંતુ આવી પરિસ્થિતિઓનું નિવારણ એક અને એક માત્ર એ જ છે કે વર્ગકાર્ય પ્રવૃત્તિઓથી સભર સમૃદ્ધ હોય, બાકી થોડા વધુ દિવસો જો બૂમો અને સૂચનાઓના આધારે જ આપણે હાંક્યે રાખીશું તો થોડા સમયગાળા પછી વર્ગખંડમાં ફકતને ફક્ત આપણી સૂચનાઓ જ પડઘા પડશે/હશે અને આપણે હોઈશું બાળકના ઘરે અને તે પણ “વાલી-સંપર્ક” રજીસ્ટર સાથે!  

November 30, 2014

સામાજિક વિજ્ઞાન માં ‘સમાજ’ માટે શું ?


સામાજિક વિજ્ઞાન માં સમાજ માટે શું ?

                         ધોરણ આઠના વિદ્યાર્થીઓ સાથે સામાજિક વિજ્ઞાન અંતર્ગત “ધાર્મિક અને સામાજિક જાગૃતિ” અંગેની ચર્ચા કરતો હતો. અગાઉથી તેમાં આપેલ માહિતી જોઈ ગયો હતો- મુખ્યત્વે – રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, દાદાભાઈ નવરોજી, અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટી, જ્યોતિબા ફૂલે, ઠક્કરબાપા – આ બધા વિષે મારે તેમની સાથે ચર્ચવાનું હતું ! સવાલ ત્યારે થયો કે આ બધાને સામાજિક હીરો તરીકે જ તેમની આગળ રજુ કરીશ તો તેમને કેવી રીતે પ્રેરિત કરીશ કે “તેઓ એ પણ હજુ તેમના સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરવાનું બાકી છે !”
એકાદ સપ્તાહ ચાલેલી ચર્ચાનો ક્રમ કૈક આવો હતો –
  રાજા રામમોહન રાય વિષે જણાવ્યું - અને તેમને વિચારવાનું કહ્યું કે માની લો કે રાજા રામમોહન રાયે “સતી પ્રથા” નો વિરોધ ના કર્યો હોત તો આજે તેની શું અસર પડત ?  એમને જે તે સમયે એ ઝુબેશ ઉપાડી તેનું આજે શું મુલ્ય છે ? તેનો ફાયદો તે સમય પૂરતો હતો કે તેની અસર આજે પણ છે ? દયાનંદ સરસ્વતી એ વેદ તરફ પાછા વાળો – અને વિવેકાનંદે ગરીબની સેવા એ જ પ્રભુ સેવા કહ્યું – એ બધાથી આજે આપણા જીવનમાં કોઈ ફર્ક પડ્યો છે ?
..છૂટક છૂટક અને ત્રુટક ત્રુટક પણ અસરકારક જવાબો મળ્યા.
“આજે અમે છોકરીઓ નિશાળમાં ના હોત !”

“અમે ય ના હોત નિશાળમાં – અમનેય કોણ ભણવા દેત ?” – છોકરાઓનો ઉદગાર...
>“કોઈકના પપ્પા મરત તો એની જોડે એની માં નું મારવાનું નક્કી હોત તો – છોકરાનું શું થાત ?”
            તીર નિશાના પર હતું ને  મેં બીજો ઘા કરી દીધો – “તમને તમે જે ગામ રહો છો તેમાં હજુ આવી બદીઓ દેખાય છે ? કે હવે બધું જ બરાબર છે ? “
સોનલ : છે સાહેબ... ઘણી વાતો છે –બધાએ થઇ યાદી કરવા માંડી
“નાના છોકરાં ને પૈણાવી દેવા, ભુવા ધુણવા, દારૂ પીવો, છોકરી પરણાવતી વખત છોકરાવાળા પાસેથી પૈસા લેવા, મહીસાગરે મરઘી ચડાવવી “...વિગેરે
.....અને મારો આખરી સવાલ “તો શું આપણે કોને શોધી લાવશું ? – આ બધા વહેમ, અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દુર કરવા ?”   
> “સાહેબ એમ તો કોણ આવે આપણે જ કરવું પડે ને ?”

સમાપનમાં બધા વિષે ફરી કહીને કહ્યું કે “વ્યક્તિગત રીતે વિચારીને કહેજો કે તમે શું કરી શકો આ સમાજમાં એક નાનકડો ફેરફાર કરવા ?”