December 29, 2012

મેનેજમેન્ટ શિક્ષણ....


 નાતાલની ઉજવણીનું આયોજન -મેનેજમેન્ટ શિક્ષણ

બાવળની ડાળીમાં રંગીન થર્મોકોલના દાણા પરોવી christmas tree  બનાવતાં બાળકો..
કોઈપણ કાર્ય સફળતા તેમાં જોડાયેલ વ્યક્તિઓની બે શક્તિઓને આધારિત હોય છે.
૧. આયોજનશક્તિ                ૨. નિર્ણયશક્તિ
...અને આ બંનેની જરૂરિયાત જીવનના હર ક્ષણે રહે છે.
    ખરીદી-વેચાણ-પ્રવાસ-શિક્ષણ-ડ્રાઈવિંગ-પેઈન્ટીંગ-કૂકિંગ- કે પછી સેલિબ્રેશન ! તમારે તેના માટે આયોજન કરવું પડે અને કાર્ય મધ્યે તેમાં કરવા પડતા ફેરફારો માટે નિર્ણયો લેવા જ પડે – જે ત્વરિત હોવા જોઈએ ! તમારા શાળાના(તમારા કાર્ય ક્ષેત્રના) પરિપ્રેક્ષ્યમાં આ બાબતને ઓળખવાનો પ્રયાસ કરશો તો જણાશે કે કેટલાક વ્યક્તિ વગર એક નાનકડું કાર્ય પણ થઇ શકતું નથી – તો તેની ફક્ત હાજરી માત્રથી અટપટા લાગતા કાર્યો સંપન્ન થાય છે ! – કારણ – ઉપરની બે શક્તિઓ !
આ શક્તિઓ ફક્ત પુસ્તકો વાંચવાથી કેળવી શકાતી નથી ! જીવનના કૌશલ્યો તો જીવનમાંથી જ પ્રાપ્ત થાય.
શિક્ષણને જીવન સાથે જોડવા શાળા પરિવાર ઉત્સવોની ઉજવણી કરે છે....તો આ વખતે પણ ગત વર્ષની જેમ નાતાલની ઉજવણી કરવાનું વિચાર્યું – પહેલા ગત વર્ષની ઝલક જોઈ લો : નાતાલ-૨૦૧૧ !
શાળામાં બનાવેલ  christmas tree
      ઉજવણીનું આયોજન માટે એક ટીમ બનાવાઈ...તેમણે નક્કી કર્યું કે ક્યારે ઉજવણી કરવી અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો. આયોજન મુજબ સવારથી જ દરેક પોત પોતાના કામમાં લાગી ગયા...કોઈકે મુખ્ય રસ્તાની આસપાસ આવેલા વૃક્ષોનો શણગાર કર્યો તો કોઈકે તોરણ બાંધવાની જવાબદારી નિભાવી ! સ્વપ્નીલભાઈની જવાબદારી હતી Santa Claus  ને તૈયાર કરવા. તો વળી કુલદીપે વાંધો ઉઠાવ્યો કે Santa Claus બનતા પહેલાં મને ખબર તો હોવી જોઈએ ને કે Santa Claus  કોણ હતા- આ ઉજવણી કેમ થાય છે...??
ઈન્ટરનેટ પરથી સ્વપ્નીલભાઈ તેને માટે બે લેખ લાવ્યા તો આયોજન બદલાયું કે હવે અમારા Santa Claus  તમામને પહેલા તેમની ઓળખ આપશે અને નાતાલ થી માંડીને નવા વર્ષ સુધીની વિગતો કહેશે !
      આવી તો ઘણી બાબતો થઇ – જેમકે ગયા વર્ષ કરતા સરૂના ઝાડ વધુ મોટા થઇ ગયા છે તેની પર શણગાર કેવી રીતે કરીશું – તો એના ઉપાય માટે તેઓ જ એક તૂટેલો થાંભલો લઇ આવ્યા. Merry Christmas  થર્મોકોલમાંથી બનાવ્યું ને દીવાલ પર લગાડવા જતા જ તેમાંથી C તૂટી ગયો – તે તૂટેલા C ને માપોમાપ ફરી તાત્કાલિક બીજો C બનાવવા આખી ટીમ લાગી ગઈ ! તેમના  સુચનથી વધુ ચોકલેટ્સ ખરીદાઈ- તો વળી બે નવી રમતો પણ ઉમેરાઈ !
      આમ, ૪-૦૦ થી ૫-૩૦ સુધી ચાલેલી આ ઉજવણી માટે વિદ્યાર્થીઓને બે દિવસ ઘરે અને શાળામાં આયોજન કરવું પડ્યું, તો ખરા સમયે ઉભા થયેલા પ્રશ્નોમાંથી ઉપાયો શોધી નિર્ણયો પણ લેવા પડ્યા !-
આયોજન-તૈયારી અને ઉજવણીના કેટલાક દ્રશ્યો...

સંતાક્લોજ જ ના જ મુખે Santa Claus  ની વાત 




શણગાર કેવી રીતે ?? ક્યાં શેનું શુસોભન કરીશું.....તેની ચર્ચા... 





હું રોજ સવારે વહેલો ઊઠીશ.....સંકલ્પ કરતો બાળક...!!!
નાતાલની ઉજવણી રસપ્રદ રમતોત્સવ વડે.......!!!








               આ સિવાય જીવન કૌશલ્યોના સાહજિક વિકાસ માટે બીજી કઈ પ્રવૃતિઓ સોપી શકાય તે બાબતના સૂચનો અમને મળશે તેવી આશા સહ – આપ સૌને
....Happy New Year !

December 22, 2012

મારી બકરી...!!



બાળકોને આપીએ વૈજ્ઞાનિક નજર...


મારી બકરીવિજ્ઞાનની નજરે

                                 આપણી આસપાસના પર્યાવરણીય અને વાતાવરણીય વસ્તુઓનું અને ઘટનાઓ સૂક્ષ્મ નિદર્શન  એટલે જ વિજ્ઞાન ટેકનોલોજીનું શિક્ષણ. આ એક એવો પણ વિષય છે કે કેટલીક બાબતોમાં તો આપણને જે દેખાય છે તે નથી તે સાબિત કરી જે છે તેને આપણી સામે મૂકી આપણો ભ્રમ દૂર કરે છે.આ વિષય બાળકોને વિદ્યાર્થી જીવનમાં આનંદ અને આશ્ચર્ય આપે છે તેમજ સાથે-સાથે વિજ્ઞાનનું શિક્ષણ બાળકને અગામી સામાજિક જીવનમાં  ઘણા પ્રકારના મુશ્કેલ કામને સરળ તેમજ ઉકેલ મેળવી આપનારૂ પણ બને છે.ક્યારેક આ વિષય સજીવોમાં સંવેદનાના નામે બાળકોમાં પશુ-પંખી -પ્રકૃતિ વગેરે પ્રત્યેની લાગણીઓમાં વધારો પણ કરે છે.. પરિણામે વિજ્ઞાન અને ટેકનોલોજીનું અસરકારક શિક્ષણ મેળવ્યા પછી બાળક દરેક બાબતોને તે દ્રષ્ટિએ જોતો, સમજતો અને ઉકેલતો થાય છે. આપણે જોઈએ છીએ કે પ્રાથમિક કક્ષાએ વિજ્ઞાન વિષય માટે આપણો અથવા તો વાલીઓનો પણ અભિગમ  એટલો પ્રબળ નથી હોતો જેટલો અંગ્રેજી અથવા તો ગણિત માટે હોય છે.આપણે એ વાત તરફ ઓછું ધ્યાન આપીએ છીએ કે બાળક ભણીને આગળ કોઈપણ ક્ષેત્રમાં જોડાશે તેને વિજ્ઞાનનો એટલે કે વૈજ્ઞાનિક ઢબનો તો સહારો લેવો જ પડશે..પછી તે કારીગરશ્રી હશે...કોન્ટ્રાક્ટરશ્રી હશે કે  કલેકટરશ્રી...દરેકે પોતાનું કામ સરળતાથી પાર પાડવા માટે એક વૈજ્ઞાનિક નજરની જરૂર પડશે જ અને આ નજર બાળકોમાં આપણે પ્રાથમિક કક્ષાએથી જ વિકસાવવી/આપવી પડશે, અને હા. ..કદાચ તેનાથી આપણને તુરંતનો મોટો ફાયદો એ પણ થશે કે આપણે આપેલ આ વૈજ્ઞાનિક નજરનો ઉપયોગ કરી બાળકોને કોઈ એકમમાં આપેલ મુંજવણ ભર્યા માર્ગદર્શનને સરળ બનાવવાનું બાળક શીખી લે તો પણ નવાઈ નહિ હોં...બસ આવા જ એક પ્રયત્ન સાથે નવાનદીસરે ધોરણ-૬માં ‘પ્રાણીજગત” એકમ અંતર્ગત  “આવો,આપણી આસપાસના રહેતા સજીવોનું અવલોકન કરીએ..” નામનો project કર્યો...તેમાં બાળકોને ઘણુંબધું જાણવા મળ્યું...પરંતુ એક project ના ધ્યેય બહારની વાત અમારા બાળક સંદીપ વાઘરીને [જેની આ બકરી છે] જાણવા મળી કે “વારંવાર છીંકો ખાવી અને ચામડી ધ્રુજાવવી એ બકરીની લાક્ષણીકતા છે..નહિ કે કુટેવ...!!!” આ ઉપરાંત પણ આ જ એકમમાં જયારે જીવજંતુઓનું અવલોકન કરવાની વાત આવી ત્યારે પુસ્તકના પાન નંબર-૪ પર આવેલ પ્રવૃત્તિ મુજબનું જીવજંતુઓને પકડવા માટેનું કોચર બનાવવાનું થયું ત્યારે ચર્ચાએ ગતિ પકડી અને તે ચર્ચાનો અંત કહું તો બાળકોએ પસ્તાવો કર્યો કે “આજ સુધી અમે જાણતાં  ઘણા જ કીડી-મંકોડા-ઈયળોને નુકશાન પહોચાડ્યું છે...’ ચાલો,જોઈએ કે અમારા આ બાળકોએ કેવું "કોચર" બનાવ્યું અને  પોતાનાં અને પોતાની જ આસપાસના સજીવોને રોજ કરતાં કેવી અલગ નજરથી જોયા....


કોચર બનાવી ચેક કરતાં બાળકો.....
જીવજંતુ પકડતો બાળક
પકડાયેલ જીવજતુંનું અવલોકન 


કોચરમાં પકડાયેલ જીવજંતુ..
કોચર ચેક કરતાં બાળકો.....


કોચરમાં પકડાયેલ જીવજંતુ..
અવલોકનમાં શું શું જોયું...





આપણી આસપાસના સજીવોનું અવલોકન પૈકી વાછરડો અને નીચેના ફોટોગ્રાફમાં ભેંસનું બારીકાઇથી  અવલોકન કરતાં બાળકો....

December 08, 2012

બાળકની એ..આંખો...!!!!


                 
આપણા મોટાભાગના મિત્રો બાળકોને ભગવાનની જેમ માને છે,
પણ....કેવી રીતે ખબર છે....???


                                                              માણસનું મન ચંચળ તો છે જ પણ સાથેસાથે એક એવા સ્વભાવવાળું છે કે જે  સ્વભાવવાળું આપણું વર્તન જોઈ  ભગવાનની પણ આંખો પહોળી અને કપાળ કરચલીગ્રસ્ત બની જતા હશે ! મોટેભાગે માણસનો સ્વભાવ જ એવો પડ્યો છે કે જ્યારે પણ પોતાનું કોઈ મોટું અને મુશ્કેલ કામ પાર પડી જાય [સફળતા મેળવે] તો તે  તરત જ તેનો જશ પોતાને મળે તે માટેના દાવા કરવા લાગી જાય છે; જેમ કે આ કામ હતું તો મુશ્કેલ,પણ મેં આવો નિર્ણય કર્યો-મેં આવી બુદ્ધિ વાપરી-મેં આવું કર્યું-તેવું કર્યું વગેરે.....[ અને ખોટું પણ નહી હોય,કદાચ તેના પ્રયત્નોથી તે કામમાં તે સફળ પણ થયા હશે..] પણ જ્યારે તે મોટા અને મુશ્કેલ  કામમાં કોઈક કારણસર નિષ્ફળતા  મળે તો...તો ..પહેલું તો આવી બને તે કામમાં જોડાયેલ અન્ય લોકોનું ! તેમના ઉપર તે કામ નિષ્ફળ થવા માટેના જવાબદારી થોપવા માટેના  કારણોનો વરસાદ અને જો કોઈ જ કારણ ન મળે તો બિચારા ભગવાન તો છે જ ને ! એટલે કે ભગવાનને ગમ્યું તે ખરું! જાણે ભગવાને તેનું કામ નિષ્ફળ બનાવવા માટે ખાસ રસ દાખવ્યો હોય ! પછી તમે જ વિચારો કે આવું સાંભળ્યા પછી ભગવાનની પણ આંખો પહોળી અને કપાળ કરચલીગ્રસ્ત ન બની જાય ?   
                        
             આવું જ ઘણીવાર આપણી  શાળામાં/વર્ગખંડમાં બંને છે. શાળામાં/વર્ગખંડમાં આપણું કામ હોય છે એવું શૈક્ષણિક કાર્ય કરવાનું કે જેથી બાળકો સરળતાથી, આનંદમય અને અસરકારક રીતે શીખી શકે, એટલે કે પરિણામ લક્ષી  શિક્ષણકાર્ય. આ કામ શિક્ષક [આપણામાટે આમ તો ખૂબ જ અઘરૂ(!) હોય છે, તે માટે આપણે બધા ખૂબ જ મહેનત પણ કરતા હોઈએ છીએ અને આપણા વર્ગખંડમાં મોટાભાગના બાળકોના કિસ્સામાં આપણે સફળ પણ થતા હોઈએ છીએ. કોઈ વખત વર્ગખંડની ચકાસણી આવી સફળતા  [૮૦% પરિણામ] આપણને જ્યારે મળે આપણે પોતે કરેલ પ્રયત્નો, પોતે અપનાવેલ શિક્ષણ પદ્ધતિ વગેરે વિશેની ચર્ચા શરૂ કરી દઈએ છીએ, એટલે કે ૮૦% પરિણામ મેળવવા માટેનો જશ પોતે લેવાનું શરૂ કરી દઈએ છીએ.[સાથે-સાથે હું કહું છું કે જશ લેવામાં કંઈ જ ખોટું નથી] પણ આપણી શિક્ષણ પદ્ધત્તિ અને આપણી પ્રયુક્તિઓને ન સમજી શકનાર બાકીના ૨૦% બાળકોની જ્યારે વાત આવે છે ત્યારે આપણે આપણી તે ૨૦% બાળકોને અનુરૂપ પદ્ધત્તિઓ, પ્રવૃત્તિઓનો  સ્વિકાર કરવાને બદલે દોષના  ટોપલામાંથી એક-એક કારણ  તે બાળકો પર ફેંકવા લાગીએ છીએ અને તે સમયે શિક્ષકશ્રી અને તેમની શિક્ષણ પદ્ધતિને ન સમજી શકનાર તે ૨૦% બાળકોની આંખો અને કપાળ ઉપર જણાવેલ ભગવાન જેવા જ થઇ જાય છે - જાણે આપણને કહેતાં હોય કે - અરે સાહેબ , આ તો તમારી આ શૈક્ષણિક પદ્ધતિ અમને ન સમજાયી, એટલે અમને ન આવડ્યું, બાકી અમે તો થોડા શીખવું નહિ એવું નક્કી કરીને બેઠયા હોઈશું ???  

November 29, 2012

આનંદ સહ ગૌરવ....



ગુજરાત રાજ્યના બી.આર.સી. અને સી.આર.સી. કૉ. ઓર્ડીનેટર સજ્જતા તાલીમી મોડ્યુલમાં આપણી નવાનદીસર શાળાની પ્રવૃત્તિઓ દર્શાવતા ફોટોગ્રાફ્સને સ્થાન મળતાં શાળા પરિવાર આનંદ સહ ગૌરવની લાગણી અનુભવે છે...














શુભકામનાઓ...........



સૌને શુભકામના....!!!


મિત્રો, નવું વર્ષ અને દ્વિતીય શૈક્ષણિક સત્ર જયારે શરૂ થઇ રહ્યું છે,ત્યારે આપ સૌને નવા વર્ષની અને નવા સત્રની શુભકામનાઓ....!!!

                  ‘સમય’ એ એક ચિન્હ છે; કોઈક બિંદુએથી પાછા વળી જોઈ અને હવે પછી શું કરીશું તેની કાર્યયોજના કરવાનો મોકો છે ! આ સમય એ શૈક્ષણિક મુસાફરીના માર્ગમાંનો વિરામ પ્રદેશ [Rest Area] સમાન છે...! જ્યાં ઉભા રહી  આપણે આપણા ગત સત્ર દરમિયાનની આપણી ઉપલબ્ધીઓમાંથી પ્રેરણા અને મર્યાદાઓમાંથી શિખામણ લઇ આગામી સત્ર માટે કટિબદ્ધ બનીએ !

ફરીથી આપ સૌને નવાનદીસર શાળા પરીવાર તરફથી...
નવા વર્ષની અને નવા સત્રની શુભકામનાઓ....!!! 

November 24, 2012

“શિક્ષક”...?????


બાળકના સર્વાંગી વિકાસની જવાબદારી જેના શિરે છે.

                                                 બાળકો જુએ, જાણે અને શીખે તેવો આપણા સૌનો અભિગમ રહેલો છે. આપણી શિક્ષણ પધ્ધતિઓ પણ આ અભિગમ ઉપર જ અલગ-અલગ પ્રકારે કાર્યરત છે. આપણા ધ્વારા વર્ગખંડોમાં અનુસરાતી વિવિધ શૈક્ષણિક પધ્ધતિઓ પણ છેલ્લે તો પૃથ્વીની ધરીની જેમ એક જ  ઉદેશ્ય ઉપર સ્થિર થાય છે કે, “બાળક વસ્તુ/વિષય/ એકમને સરળતાથી અને દ્રઢતાપૂર્વક શીખે/સમજે. બાળકને જે તે વિષય વસ્તુ શીખવવા આપણે ઘણી પ્રવૃત્તિઓ,પદ્ધત્તિઓ તેમજ પ્રોજેક્ટ્સનો સહારો લઈએ છીએ, કારણ કે તેનાથી આપણને જે તે વિષય-વસ્તુ બાળકોને સમજાવવામાં અને બાળકને જે તે સમજવામાં સરળતા રહે, છતાં આપણી એક ફરિયાદ સતત અને સખત રીતે હંમેશ માટે રહે છે કે “બાળકો યાદ નથી રાખતા...આજે શીખવેલું તો બે-ત્રણ દિવસ/મહિના/વર્ષમાં તો ભૂલી જાય છે. અને આવા સંજોગોમાં પોતાના વર્ગનો બાળક આગળના ધોરણના વર્ષની શરૂઆતમાં પુનરાવર્તનમાં જે દેખાવ કરે છે તે જોતાં આપણામાં હતાશા આવે તે સ્વાભાવિક છે. સાથે-સાથે એવો પણ પ્રશ્ન મનમાં ઉદભવે કે આટલી મહેનત પછી પણ આ પરિણામ ? ..આનો ઉપાય શું??? આપણે આનો ઉપાય શોધીએ છીએ, પરંતુ સાચી ક્રમીકતા મુજબ નિદાન નથી કરતા...અને પરિણામે દર વર્ષે હતાશા...ઉપાયની શોધખોળ ...હતાશા...ઉપાયની શોધખોળ... બાળકના વિદ્યાર્થી-જીવનની શરૂઆતથી જ આ અંગેની તકેદારીનો અભાવ એ આવા પ્રશ્નોનું મૂળ હોય છે.
                                            બાળકના શરૂઆતી શૈક્ષણિક વર્ષોમાં જ આપણે લીધેલ તકેદારી પછીના વર્ષોમાંની આપણી મહેનતને એળે જતી અટકાવે છે. બાળકના શરૂઆતી શૈક્ષણિક વર્ષોમાં બાળકમાં વાંચન-લેખન-ગણન પાછળ અઢળક મહેનત કરતાં હોઈએ છીએ, છતાં ઘણા કિસ્સાઓમાં પરિણામ કહીએ તો બાળકની સ્મૃતિમાં “રમત” ઓળખાવીએ તો “નમન” ગુમ અને “હળ” ઓળખાવીએ તો “નમન” ગુમ...૧૫ શીખવીએ તો ૧ અને ૫ તેમજ ૫૧ શીખવીએ ત્યાં સુધીમાં તો ૧૫ ગુમ... ટૂંકમાં કહીએ તો આગળ શીખે...પાછળનું ગુમ...આ મુશ્કેલી થોડા-વત્તા પ્રમાણમાં દરેક વર્ગખંડો અનુભવી રહ્યા છે..અને પરિણામે નિરિક્ષણ કાર્ય દરમ્યાન આપણે ફક્ત આપણું જ દુઃખ વર્ણવીએ છીએ..કે ઘણો જ પ્રયત્ન છતાં પણ આ બાળક ભૂલી જ જાય છે..શું કરૂ? અને આમાં આપણી મહેનત અને આપણું દુઃખ આ બંને સાચું હોય છે..પરંતુ કોઈ કારણસર આમાં આપણે બાળકની મુશ્કેલી અને દુઃખને નથી ધ્યાને લેતાં...વિચારો કે આપણે આપણું દુઃખ કહીએ છીએ કે “ઘણો જ પ્રયત્ન છતાં પણ આ બાળક ભૂલી જ જાય છે..શું કરૂ?” .....તેના જવાબમાં જ નિરિક્ષકશ્રીની હાજરીમાં જ બાળક પૂરક પ્રશ્ન કરે કે......   
“સાહેબ..ઘણો જ પ્રયત્ન છતાં પણ હું ભૂલી જ જાઉં છુંશું કરૂ ? અરે! હું ભૂલી જાઉં એમાં મારો શું વાંક ?”

         હવે તમે વિચારો કે બાળક જો આવો પૂરક પ્રશ્ન કરે તો તેના માટેનો જવાબ છે આપણી પાસે ? સાચી દિશામાં જો વિચારીએ તો “કોઈ બાળક જાણી જોઈને ભૂલી જાય ખરો..?? અરે! બાળકની વાત છોડો આપણે આપણી વાત કરીએ તો આપણે જાણી જોઈને કોઈ અગત્યની વસ્તુ ભૂલી શકીએ છીએ ખરા??? જો તમારો જવાબ “ના” હોય તો આગળ વધીએ.. બાળક ભૂલી જાય છે એનો સીધો અર્થ એ થાય છે કે બાળકની Excepting Energy [સ્વીકાર્ય શક્તિ] કે જેનાથી તમે જે બાળકને શીખવો છો, સમજાવો છો, નિદર્શન કરાવો છો તે તરત જાણી/શીખી લે છે. પરંતુ તે જાણકારી સચવાઈ રહે તે માટેની જરૂરી સ્મરણ શક્તિ એટલી વિકસિત ન હોવાથી તે જાણેલી/શીખેલી વસ્તુઓનો સંગ્રહ કરવા અસમર્થ બને છે. હવે તમે જ વિચારો કે તમે કરાવેલો મહાવરો પણ કેટલો સમય સંગ્રહિત રહેશે... એટલે કે ભૂલી જાય છે ફરી શીખવો...પાછું ભૂલી ગયો ફરી શીખવો... ફક્ત આપણે ક્રિયા જ કર્યા કરીએ છીએ..નિદાન નહિ..અને તેથી જ બાળકના પ્રશ્ન ‘અરે! હું ભૂલી જાઉં એમાં મારો શું વાંક?’ નો જવાબ આપણી પાસે હોતો નથી... હા ભલે આપણી પાસે બાળકના આ પ્રશ્નનો જવાબ ન હોય પરંતુ પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઘણી એવી પ્રવૃત્તિઓ છે કે આવી સમસ્યાઓમાં પહેલાં જ અગમચેતી રૂપે આનો હલ શોધી કાઢે. ઘણા બધા મહાવરા છતાં પણ બાળકને યાદ નથી રહેતું તો પછી તે માટે વધારે મહત્વ બાળકની સ્મરણ શક્તિના વિકાસ માટેના પ્રયત્નો જરૂરી બને છે. એવી રમતો કે જેનાથી બાળકોની સ્મરણશક્તિ વિકસે અને શીખેલી/જાણેલી વસ્તુ વધુમાં અને વધુ સમય માટે સંગ્રહિત થાય. વિચારો કે ફક્ત એવું કહી દેવાથી કે આને ફલાણું કહેવાય..બરાબર યાદ રાખજે હોં.. ત્યારે બાળકની એ ઉદારતા જ સમજવી કે તે આપણને પૂરક પ્રશ્ન નથી પુછતો કે નથી બદામના પૈસા માગતો !!! શું વારંવાર મહાવરા છતાં પણ યાદ રાખી ન શકતાં બાળકો માટે મહાવરો એ નિરર્થક અને સ્મરણ શક્તિના વિકાસ માટેની પ્રવૃત્તિ જ સાર્થક ઉપાય છે???
  
બાળકની સ્મરણ શક્તિને  વિકસિત કરતી એક રમત...


               આ ઉપરોક્ત રમતમાં બાળકોને એવા પ્રશ્નો પુછવામાં આવે છે કે તે બાળકે તેનો જવાબ યાદ કરવા માટે માનસિક કસરત કરવી પડે છે.. જેમકે તે ગયા બુધવારે કયા રંગના કપડાં પહેર્યા હતાં ??- જેમ કે તે પરમ દિવસે સાંજે શું ખાધું હતું? વગેરે...વગેરે.... જેના જવાબ વિચારતાં-વિચારતાં બાળકો ધ્વારા અજાણતાં જ સ્મરણ શક્તિમાં વધારો થાય તેવી કસરત કરે છે...  


સમતોલન .....


                   આ પ્રવૃત્તિ ધ્વારા બાળકો અનુકુળ-પ્રતિકૂળ સંજોગોમાં પોતાનું સમતોલન ટકાવી રાખી મુશ્કેલીઓનો સજાગતાથી સામનો કરે તે માટેનો છે...રમતની શરૂઆત બે ઈંટો વચ્ચે ખૂબજ ઓછા અંતરથી શરૂઆત કરી ધીમે-ધીમે અંતર વધારવું...[આ પ્રવૃત્તિ દરમ્યાન શિક્ષકમિત્રની કાળજી અને હાજરી ખૂબ જ જરૂરી છે]  


 "પાણીમાં ફૂંકણી" ની રમત વડે આનંદની સાથે ફેફસાંની કસરત પણ.... 





એકાગ્રતા ....

     

    આ પ્રવૃત્તિમાં બાળક દડા વડે સ્ટમ્પને તાકી પાડવા માટેનો પ્રયત્ન કરે છે...જેનાથી તેનો પ્રયત્ન જેમ બને તેમ દડો સ્ટમ્પથી નજીકથી પસાર થાય તેવો હોય છે અને તેણે કારણે જ તેનું સમગ્ર ધ્યાન સ્ટમ્પ પર કેન્દ્રિત થાય છે..જેમાં બાળક અજાણતાં જ સ્ટમ્પ પ્રત્યે પોતાને એકાગ્ર કરે છે....


હવે વિચારો કે બાળકના ખરાબ અક્ષરની બાબતમાં પણ આપણું  સુચન "અરે! જરા અક્ષરો તો સુધાર.."  એવું હોવું જોઈએ કે નીચે પ્રમાણેની પ્રવૃત્તિ......???